Skip to content Skip to sidebar Skip to footer

Meghdoot In Gujarati Pdf Free Download

ભારતીય સંસ્કૃતિના પ્રાચીન કાળની કમનસીબી એ છે કે 'સત્યમ્ શિવમ્ સુંદરમ્'ના આખા ભૂતકાળમાંથી ખણખોદિયાઓએ માત્ર 'શિવમ્'નું જ મહિમાગાન કર્યું છે. આજની આખી એક પેઢી ભારતીય પ્રાચીનતા એટલે ભોગવિલાસવિરોધી શુષ્ક ભક્તિ એવું માનતી થઇ જાય- એ પાપકૃત્યમાં તેઓ સફળ થયા છે. આખી મોડર્ન જનરેશન 'ઇન્ડિયન કલ્ચર'ના નામથી ભડકીને વેસ્ટર્નાઇઝેશનના ખોળે જતી રહી છે. જયારે જયારે સેકસના ખુલ્લાપણાંની વાત આવે, ત્યારે અચૂકપણે 'પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ'નો જયઘોષ થાય છે. એકીસાથે હસવા અને રડવા જેવી આ વાત છે!

પ્રિય હિન્દુસ્તાનીઓને કોણ સમજાવે કે કામકળાનું ઉદ્દગમસ્થાન જ ભારત હતું! ભારતીય ધાર્મિક સાહિત્ય કે શિલ્પોમાં પણ શૃંગારના ફૂવારા નહિં, ધોધ ઠલવાયેલા છે- પણ મૂળ ગ્રંથો આખા વાંચવાની કયાં કોઇ તસ્દી લે છે? મુક્ત કામાચારનાં ધામ અમેરિકા નહી, પણ આ દેશમાંથી જ પહેલીવાર 'ઇરોટિક' સાહિત્ય જગતને મળેલું- જે હજુ પણ એવરગ્રીન છે. પણ ભારતીય સંસ્કૃતિમાં મૈથુન (શારીરિક સંબંધ)નું જે માઘુર્ય 'અનાવૃત' થયું છે- એનો આજની તારીખે મુકાબલો કદાચ ફ્રેન્ચ- મેકસિકન- ઇટાલીયન સોફટપોર્ન ફિલ્મો સિવાય ન થાય!

સીઝન સાવનની છે. વાયરા વરસાદી છે. મોડે મોડે પણ ગુજરાતમાં ચોમાસું ચોમેર બેઠું છે. વર્ષાઋતુમાં જો ભારતીય નાગરિકને સંસ્કૃત સાહિત્ય યાદ ન આવે, તો નુકસાન એને પોતાને જ છે! એમાંય મેગાહિટ છેઃ મેઘદૂત. માત્ર મહાકવિ કાલિદાસની રમણીય રચનામાં તરબોળ થઇ જૂઓ- હજુ સુધી પૃથ્વી પર સાવન અને સેકસનું આવું કલાસિક કોમ્બિનેશન થયું નથી!

મેઘદૂતની મજા એના વરસાદી વાતાવરણના અદ્દભૂત શબ્દ ચિત્રોમાં છે પણ એ પડતાં મૂકીને 'એક દૂજે કે લિયે' બનેલા નાયક- નાયિકાની વિરહવેદના પર ઘ્યાન આપો તો એમાં 'પ્રવાસવિપ્રલંભ શૃંગાર' છલોછલ દેખાય! વરસાદ નીતરી ગયા પછીના ગુજરાતના ડામર રોડ પર જેમ ઠેર ઠેર પાણીના ખાબોચિયાં દેખાય, એમ આખા કાવ્યમાં ચોમેર સેકસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે.

'મેઘદૂત'માં કવિતાનો પ્લોટ જ જાણે રોમાન્સની પરાકાષ્ઠા છે! દેવતાઇ અંશો ધરાવતી યક્ષ જાતિ શિવજીના સાંનિઘ્યમાં કૈલાસ પર્વત પાસેની અદ્દભૂત અલકાપુરીમાં રહે છે. એક યક્ષનું કામ પોતાના સ્વામી કુબેર (દેવતાઓનો ખજાનચી) માટે સવારે પૂજાના કમળપુષ્પ લઇ આવવાનું છે! પણ એ માટે વહેલા ઉઠીને પોતાની પ્રિયાના પડખાંનો ત્યાગ કરવો પડે, માટે યક્ષ રાતના જ કમળ તોડી આવે છે. એ બીડાયેલા કમળમાં રાત્રે કેદ ભમરો કુબેરને ડંખ મારે છે. (કયા કહને!) ત્યારે ફરજચૂકનો ખ્યાલ આવતાં કુબેર યક્ષને ૧ વર્ષ માટે દક્ષિણ ભારતના રામગિરિ પર્વત પર એકાંતવાસનો શ્રાપ આપે છે. દાંપત્ય જીવનમાં ગુલતાન પ્રેમી-પ્રેયસી વિખૂટાં પડે છે. 'દિન ગુજરતા નહીં, કટતી નહીં રાતે' વાળી ટિપિકલ બોલીવૂડ સિચ્યુએશનમાં એકબીજાની સ્મૃતિથી અને પુનઃ મિલનની આશામાં દિવસો કાઢે છે. કાલિદાસ લખે છે- આમ તો જુદા પડવાથી જ મૃત્યુ પામ્યા હોત… પણ ફરી મળવાનું છે, એટલે બંને જીવતા રહ્યા!

આઠ મહિનાની જુદાઇ માંડ માંડ સહન કર્યા પછી પોતાની પ્રિય પત્નીને સંદેશો કહેવડાવવા માટે વ્યાકૂળ યક્ષ અંતે કાળાં વાદળોની ફોજથી વરસવા માટે સજજ મેઘને પોતાનો દૂત બની 'મેસેજ' ફોરવર્ડ કરવાની વિનંતી કરે છે. યક્ષનો 'લવ એસ.એમ.એસ.' સ્વીકારનાર મેઘને યક્ષ કુદરત-માનવના ભવ્ય વર્ણનથી નવડાવી દે છે. આહાહા, શું વર્ણન છે! કાશ, ભગવા કપડાંની દીક્ષાને બદલે કાલિદાસની કૃતિઓના માર્કેટિંગથી ભારતની પહેચાન પરદેશોમાં બની હોત! સ્થળ સંકોચને લીધે થોડીક બાદબાકી સાથે (પણ એકેય શબ્દના ઉમેરા વિના) મેઘદૂતનું પ્રકૃતિવર્ણન બાજુએ મૂકી બારિશ અને બિસ્તરનો રસભરપૂર ઝલક વાંચીને જાતે જ નક્કી કરો ભારતીયતાના શૃંગાર વૈભવનું ગૌરવ!

કાવ્યની શરૂઆતના જ 'ઇન્ટરવલ' પહેલાંના 'પૂર્વમેઘ'માં યક્ષ મેઘને મેસેજ લઇ જવાની વિનંતી કરે છે, ત્યારે જ કવિ ટકોર કરે છેઃ કામાતુર માનવી ભાન ભૂલી જાય એમાં શી નવાઇ? વાણી કે કાન વિનાના નિર્જીવ મેઘને સજીવ ગણીને યક્ષ વિનંતી કરવા લાગે- એ જ બતાવે છે કામાગ્નિનો દાહ! એક જમાનામાં ભારતમાં એક સ્ત્રી વઘુ પુરૂષોને કે એક પુરૂષ વઘુ સ્ત્રીઓને ભોગવે એ અસામાન્ય નહોતું (બલ્કે સામાન્ય હતું!) એવા દાખલા દશરથથી દ્રૌપદી સુધી મશહૂર છે. માટે યક્ષ મેઘાને કહે છે કે મારી પત્ની 'એકસ્વામીત્વ'માં માનતી હોઇને મારા વિયોગથી વઘુ દુઃખી છે- બીજું કોઇ એના જીવનમાં નથી! મેઘદૂતમાં 'મુક્ત' ભારતીય સંસ્કૃતિના નિર્દેશો પારિજાતના ફૂલની જેમ ઢગલા મોંઢે વિખરાયેલા છે. બગલીઓના ઉદાહરણથી 'ગર્ભાધાનોત્સવ' (ગર્ભાધાન થાય, એ સમાગમનો અવસર) ઉજવવાની વાત છે!

વરસાદને સેકસ સાથે મેળવીને કાલિદાસે એવી એવી ઉપમાઓ આપી છે કે એ જેમની તેમ આજે કયાંક રજૂ કરો તો 'વિકૃત ભેજાંનો વિદેશી' જાણીને સમાજ કાં જેલ, કાં પાગલખાના ભેગા કરી દે! જેમ કે, મેઘ 'સ્નિગ્ધવેણી' યા ને સ્ત્રીના કેશ જેવો કાળો અને સુંવાળો છે! મેઘના આગમનથી વીજળી થતી જોઇને નારીઓ વારંવાર આંખો મીંચે છે અને ખોલે છે, માટે સ્ત્રીઓના 'નેત્રવિલાસ'નું પાત્ર બનનાર વરસાદ ભાગ્યશાળી છે! આમ્રકૂટ (આજનો અમરકંટક?) પર્વત પીળી પાકેલી આંબાની ડાળથી છવાયેલા પર્વત હોઇ ને એના શિખર ઉપર વરસાદી વાદળો સ્થિર થશે, ત્યારે શ્યામ ટોચ અને ફરતે ઉપસેલી ગૌર ગોળાઇને લીધે એ પૃથ્વીના સ્તન જેવો લાગશે એમ યક્ષ મેઘને કહે છે! માર્ગમાં આવતી વેત્રવતી નદીના વહેવાનો અવાજ કામક્રીડાના ઘ્વનિ જેવો ઉત્તેજક ગણીને મેઘને એ નદીનું પુરૂષ સ્ત્રીનું ચુંબન લે, એવી તીવ્રતાથી જળપાન કરવાનું કહેવાયું છે! વિદિશા નગરી પાસેના પર્વત પર મેઘને આરામ ફરમાવવાની વિનંતી થઈ છે. કેમ?

કારણ કે, ત્યાં પહાડી કુંજલતાઓથી ઘેરાયેલી ગુફાઓમાં વડીલોથી અકાંત શોધી નગરના ઉત્તેજીત યુવકો ગણિકાઓ સાથે આનંદ કરતા હશે, તેમના શરીર પરના ચંદન વગેરેની સુગંધથી એ સ્થળો મઘમઘતા બન્યા હશે!ઉજ્જૈની પાસેની નિર્વિન્ધ્યા નદીને તો રીતસર કામિનીરૂપે કલ્પી લીધી છે! એના પર હારબંધ ઉડતા પંખીઓ ને એનો કટિબંધ, એના વહેવાના અવાજને એના ઝાંઝર અને એમાં વરસાદના ટીપાં પડવાથી બનતા વર્તુળાકાર વમળને એની નાભિ ગણાવીને પાછા કવિ લખે છે : પ્રિયજનને જોઈ એનું ઘ્યાન ખેંચવા અટકતી લટકતી મંદ ચાલે સ્ત્રી વસ્ત્રોને રમાડતાં પેટ અને નાભિ ખુલ્લા કરી આમંત્રણ આપે, ત્યારે પુરૂષે સ્ત્રીના આ વગર બોલ્યે થતા વિલાસો સમજીને એના અંતરને તૃપ્ત કરવું જોઈએ. લજ્જા જેનું ભૂષણ છે એવી પ્રકૃતિએ શરમાળ નારી એના મનોભાવ બોલીને નહિ, પણ ચેષ્ટાઓથી જ જણાવે છે! મેઘે પોતાની પ્રેયસી જેવી નદીઓને વરસાદથી તૃપ્ત કરી દેવી જોઈએ, કારણ કે જે સ્ત્રી ભોગો ભોગવતી નથી એ અકાળે જ વૃઘ્ધ થાય છે!

માશાલ્લાહ! જાણે શૃંગારનો જામેલો એકરસ વરસાદ! આખા મેઘદૂતમાં જાતીયતાના તાણાવાણા એવા ગુંથાયેલાછે કે જુદા પાડવા જતાં રોમાંચનું વસ્ત્ર ચિરાઈ જાય! સિપ્રાનદીના પવન માટે શું વિશેષણો છે? જુઓ : જેમ આખી રાતના 'રતિશ્રમ' (કોનવેન્ટિયા બાબાબેબીલોગ, રતિક્રીડા એટલે એકટ ઓફ ઓર્ગી, જાતીય સમાગમ)થી થાકેલી શય્યાસંગિનીનો થાક પુરૂષ એના માથે હળવેથી હાથ ફેરવીને ઉતારે,એમ સિપ્રાની લ્હેરખીઓ થાક ઉતારતો મૃદુ સ્પર્શ કરે છે! સુંદર સ્ત્રીઓને નીરખીને જોવાની ક્રિયાને ધન્યભાગ્ય ગણતા કવિ વળી મેઘને ઉજ્જૈન નગરની 'લલિતવનિતા' (લાવણ્યમયી સ્ત્રીઓ)ના વાળની સુગંધ અને એમના મેંદી, અળતા, કંકુ ચોળેલા પગલાંની છાપ સુઘ્ધાં મનમાં ભરી લેવાની તાકીદ કરે છે! આખી રાત પતિ બહાર વીતાવેતો પરોઢે આવે, એવી એકલી સૂનારી પત્નીને ખંડિતા કહેવાય છે. આવી ખંડિતાઓને પતિદેવો રિઝવતા હોય, ત્યારે ઉગતા સૂરજની આડે ન આવવા વરસાદને વિનંતી થાય છે! તો ગંભીરા નામની એક નદીને તો સંકોચને લીધે હૃદયની લાગણી અભિવ્યકત ન કરનારી (મનમાં ભાવે ને મૂંડી હલાવે) અનુરકતા નાયિકા કહીને કાલિદાસે મેઘદૂતનો સેકસીએસ્ટ શ્વ્લોક ફટકાર્યો છે.

નદીમાં ગેલ કરતી માછલીઓ જાણે વરસાદને આંખથી 'ઈશારો' કરે છે. નદીનો પ્રવાહ એના ભીના વસ્ત્રો છે, શ્વેત તટ જાણે એના ઉન્નત નિતંબો છે. ઉત્તેજીત સુંદરી ઢીલાં કરેલા વસ્ત્રોને પુષ્ટ નિતંબ પરથી સરકવા દે છે, પણ એને હાથથી પકડી રાખવાનું નાટક કરે છે. જેનો કમરથી નીચેનો દેહ અનાવૃત હોય, એવી અનુકુળ ઈચ્છાવાળી સ્ત્રીને કામરસનો સ્વાદ ચાખેલો કોણ રસિકજન છોડે? હંઅઅઅ….પરફેકટ ટ્રુથ.

અને બે વોચ જેવી ન્હાતી નખરાળીઓની સિરિયલ્સ કે શાવરબાથના ઉદભવતી સદીઓ પહેલા કાલિદાસે વરસાદમાં સ્નાન કરવા માંગતી યૌવનાઓનું કેવું કાવ્યાત્મક વર્ણન કર્યું છે! ગ્રીષ્મ ઋતુની ગરમીને લીધે અકળાયેલી અપ્સરા જેવી દેવતાઓની સ્ત્રીઓ કૈલાસ ઉપર શિવપૂજન કરવા જાય ત્યારે વાદળોને નિહાળે છે. પોતાના હાથના કંગનમાં જડેલા ધારદાર હીરાથી એ વાદળોમાં છેદ કરીને જળધારામાં સ્નાન કરે છે!

'મેઘદૂત' માં યક્ષની સંગિની કૈલાસ યાને હિમાલયમાં આવેલી અલકાનગરીમાં છે. કાલિદાસે અહી પણ નર નારીના ચિત્રો સજીવન કર્યા છે. બરફાચ્છાદિત ધવલ કૈલાસપુરૂષના ખોળામાં ગંગાનદીરૂપી રેશમી વસ્ત્ર પહેરેલી અલકા બેઠી છે. અલકાનગરીના મહેલો પર ગોરંભાતા વાદળો એનો અંબોડો, અને એમાંથી વરસતો 'સ્નોફોલ' એના વાળમાં ગૂંથેલા મોતીની સેર છે! આ અલકાનગરીની મણિજડિત અગાસીઓમાં પુરૂષો રૂપાંગના યુવતીઓને પડખે લઈને, એમના હાથથી મદહોશ મદિરા પીને ગમ્મત કરે છે. પ્રિયતમના સ્પર્શસુખથી સર્જાતી ઉત્તેજનાથી સ્ત્રીઓના વસ્ત્રોની ગાંઠ આઆઆપ ઢીલી થઈને સરકી જાય છે. ત્યારે ચપળતાથી કામી પુરૂષ એ વસ્ત્રને દૂર કરી અનેક અંગો પર હાથ ફેરવે છે. અને વારંવાર ચુંબનથી જે કામિનીના હોઠ બિંબફળ જેવા લાલ થયા છે એ અધરરસનું પાન કરે છે! આ જ વખતે બાજુમાં રહેલા તેજસ્વી રત્નોનો ઝગમગાટ નાયિકાના નગ્ન દેહને અજવાળે છે! તેથી એ શરમથી બહાવરી બનીને શણગાર માટે રાખેલા કંકુની મૂઠ્ઠી ભરી, એ રત્નો ઉપર નાખીને તેજ ઓલવવાનો વ્યર્થ પ્રયાસ કરે છે!

વોટ એન ઈમેજીનેશન! જરા આ પ્રસંગચિત્રનું મનમાં વિઝયુઅલ વિચારો. કોઈ રિમિકસ મ્યુઝિક વિડિયો પણ તેની આગળ પાણી ભરશે! અશ્વ્લીલતા અને ઉન્મત્ત શ્રૃંગાર વચ્ચે જે કરોળિયાના તાર જેવી ભેદરેખા છે, તે આ અદભુત કળાત્મક કલ્પનાશકિત જ છે! કવિએ તો વરસાદ આવે ત્યારે અદ્રશ્ય રીતે તેનો ભેજ દીવાલ પરના ચિત્રો બગાડી નાખે, એ સહજ વૈજ્ઞાનિક ઘટનાના નિરૂપણ પણ 'જેમ કોઈ કામી નર વ્યભિચારના ઈરાદે લપાતો છૂપાતો આવીને બિલ્લી પગે ભાગી જાય, એમ પ્રવેશતો મેઘ' એવું લખીને કર્યું છે! યક્ષે સંદેશ પંહોચાડવા માટે મેઘને અલકાનગરી અને પોતાની પ્રિયાનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. આ અલકાનગરી કેવી રીતે ઓળખવી?

જવાબ મળે છે : 'ચંદ્રકાંત' નામનો દિવ્યમણિ ચંદ્રના કિરણો જેવો શીતળ ગણાય છે. અલકામાં રાત્રિનો પહેલો પ્રહર મદમસ્ત સમાગમમાં વીતાવ્યા પછી સ્ત્રીઓ થાક અને આસકિતની અગન શમાવવા મઘ્યરાત્રિએ ચંદ્રકાંત મણિનું (કહો કે, આજના એ.સી.નું) સેવન કરે છે. આમ તો આ સ્ત્રીઓ ફૂલ જેવી કોમળ છે. પણ પ્રિયજનના અંગનો સ્પર્શ અમૃત જેવો લાગતો હોઈને શ્વાસ હાંફી જાય, એવું દ્રઢ આલિંગન આપે છે.

નગરીમાં પ્રભાત થાય ત્યારે રસ્તાઓ પર મંદારવૃક્ષના ફૂલો વેરવિખેર પડેલા દેખાય કેમ? કારણ કે, રાતના 'અભિસારિકા' યાને પિયુને મળવા જતી શણગારસજ્જ સુંદરીઓ ઉતાવળે ચાલતી હોય છે. ત્યારે તેના કેશમાંથી મંદારના પુષ્પો ખરી જાય છે. માર્ગ પર ઠેરઠેર કાનમાં પહેરેલા સોનાના આભૂષણો પણ વેરાયેલા રહે છે. પીન પયોધરો યાને સુઘટ્ટ સ્તનમંડળ પર અથડાવાથી કંઠમાં લટકતા મોતીહારના દોરા તૂટે છે. અને મોતી છૂટ્ટા પડીને રસ્તા પર દડી ગયા છે! નગરની ચંચળ નારીઓ માત્ર નેણ નચાવીને ધનુષ્યમાંથી છૂટતાં બાણ કરતાં પણ વઘુ ધારદાર તીર છોડી શકે છે. અનંગ (કામદેવ)ની મદદ વિના માત્ર અંગથી જ ધાર્યા નિશાન પાડી શકે છે. આ સ્ત્રીઓના અંગનો સ્પર્શ કરાવી વૃક્ષો ખીલવવાના ઉત્સવો યોજાય છે. યક્ષની સંગિનીએ આવા હેતથી આંગણે એક વૃક્ષ ઉછેર્યું છે. યક્ષના ઘરની નજીક જ એક 'ક્રીડાશૈલ' જેવી (લવર્સ પાર્ક?) વાવ છે, જયાં કલકલ વહેતા પાણીના નાદ અને સુગંધી પવનો, હંસ – ભમરાના ગુંજારવ વચ્ચે યુગલો આવીને નિત્ય સહવાસ માણે છે.

'મેઘદૂત'ના ઈન્ટરવલ પછીના ઉત્તરમેઘમાં અલકાનગરીની આવી ઈરોટિક વિગતો પછી પિયાવિરહણી સ્ત્રીની વિરહવેદનાના લક્ષણો છે. એ ભલે યક્ષની પત્ની છે, પણ પતિ-પત્ની થવાથી જ કંઈ આવું ઉત્કટ સામીપ્ય ન મળે! બંને એકબીજાના પ્રેમમાં મશગુલ પ્રિયતમ-પ્રેયસી છે, લગ્નબંધન ન હોય તો પણ! યક્ષ પોતાની સ્વીટહાર્ટનું વર્ણન કરતાં એ તપાવેલા સુવર્ણ જેવો ગોરો વાન ધરાવે છે, એમ કહે છે. શિયાળામાં હૂફ અને ઊનાળામાં ગરમી આપી એવા સુપુષ્ટ શરીર અને ફૂટડા ગાત્રોવાળીએ નાજુક નમણી નારી બહુ ઊંચી કે બહુ નીચી નથી. ઝીણી કળી જેવા હોઠ, માણેક જેવા ચમકતા દાંત, ગોળ અને ઉંડી નાભિ, અત્યંત પાતળી કમર, ઉંચા વિશાળ 'કુંભ' જેવા વક્ષઃ સ્થળ.. જે ઉરોજોના ભારને લીધે કમર સ્હેજ લચી જાય છે અને વળી ઘાટીલા વર્તુળાકાર નિતંબોના વજનને લીધે મલપતી ચાલે ચાલનારી એ સ્ત્રી પદ્મિની છે!

જો કે યક્ષ મેઘને ચેતવે છે કે મારી યાદમાં રડી રડીને એ સૂકાઈ ગઈ હશે. ઓળ્યા વિનાના વિખરાયેલા વાળે એનો ચહેરો ઢાંકી દીધો હશે. બળતા હૈયામાંથી સતત નીકળતા નિસાસાઓએ એના હોઠ ચૂકવીને ઝાંખા કરી નાખ્યા હશે! બહુ ભપકાદાર સજાવટ વિના એ વ્હાલાની યાદમાં વીણા વગાડતી હશે. પણ આંસું વીણાના તાર પર ટપકતાં હોઈને બરાબર સુર નહિ નીકળતા હોય! (કયા બાત હૈ!) ઉંબરા પર ફૂલ મુકીને જુદાઈના દિવસો ગણતી એ પ્રેયસીને આમ તો નીંદર જ નહિ આવતી હોય….

..પણ ઉંઘે તો સ્વપ્ન આવે, અને કમસેકમ સપનામાં તો વિખૂટા પડેલા સાથીનો સમાગમ થાય, એટલે છાતી પર કાલ્પનિક બાહુપાશમાં હાથ બીડીને એ રમણી સુતી હશે. દિવસ તો પસાર થતો હશે, પણ અગાઉ સાથે ગાળેલી રાત્રિઓની મોજ સ્મૃતિરૂપે સતાવીને એની રાત્રિ પર બોજ બનતી હશે. સૂકાયેલી લટો એની કોમળ ત્વચાને ખૂંચતી હશે. મેઘને એને ઓળખવાની નિશાની આપતા યક્ષ કહે છે કે કમરબંધ જેવા આભૂષણોનો ત્યાગ કર્યો હોઈને એની જંઘા (સાથળ) અડવી હશે. પતિનો સંદેશ વાહક વરસાદ નજીક આવતા શુભ શુકન રૂપે ડાબી જાંઘ ફરકશે- જે શય્યાસાથીના નખોડિયા વિનાની કેળાના ગર્ભ જેવી માંસલ અને ઉજળી હશે. રતિક્રીડા પછીનો વિરામ લેવા યક્ષ એ અંગને મૃદુ સ્પર્શથી દબાવી હળવો થતો હોઈને એને એ બરાબર યાદ છે. યક્ષ મેઘને હળવેથી જૂઈના ફૂલો પવનમાં ઉડાડી, ભીનાશની સુગંધ વાળો વરસાદી વાયરો લહેરાવી એને જગાડવા વિનંતી કરે છે. વીજળીના ચમકારાથી એને ડરાવ્યા વિના મેઘે ગર્જનાથી 'સ્વામી સુહૃદ' (પતિનો મિત્ર) તરીકે સંદેશો સંભળાવવાનો છે. પિયુના અભાવમાં પ્રિયતમાને એના શબ્દો પણ મિલન જેવા લાગે!

સંદેશો પોતાના ભરથારનો જ છે- એની ખાતરી માટે યક્ષ નિશાની પણ માદકતાથી છલોછલ આપે છેઃ હું કોઈ સામાન્ય વાત પણ બીજાની હાજરીમાં જાણે ગૂઢ રહ્સ્ય હોય એમ એના કાનમાં કહેતો, અને એ બહાને એના હોઠને સ્પર્શી ચુંબન દેતો આ સ્વીટ સિક્રેટ માત્ર યુગલ જ જાણતું. યક્ષના સંદેશામાં વરસાદની રોમેન્ટિક ઋતુ એકલા કેવી રીતે કાઢવી એનો સંતાપ છે. પર્વત પરની કુદરતના એકેએક દ્રશ્યમાં પોતાની પ્રેયસીને શોધવાનો વ્યર્થ તલસાટ છે. નાયિકાના નગરની દિશામાંથી આવતો પવન પણ એના દેહને સ્પર્શીને આવ્યો હોઈને એને ભેટવાનો થનગનાટ છે.

પ્રેમ ભોગવ્યા વિના (સંયમ કે બ્રહ્મચર્ય પાળીને) ખતમ થવાને બદલે વધીને મહાકાય પર્વતરૂપ બને છે, એ વાસ્તવિકતા પર અંગૂલિનિર્દેશ કરીને કાલિદાસ પુનઃ મિલનની આશા સાથે મેઘદૂત પુરૂં કરે છે!

બોલો! વિશ્વસાહિત્યને ઠોકરે ચડાવે એવી પ્રતિભાવાળા કાલિદાસોનું આ છે અસલી રંગીન ભારત! મેઘદૂત જેવી રસિક કૃતિઓ વિઝ્યુઅલ મનોરંજન વિનાના જમાનામાં કલમથી સર્જાઈ, એ તો ધન્ય! પણ વિચારો કે આ ભાતીગળ ભારતના સમાજે એને માણ્યું અને સાચવ્યું! બાકી, આજે અશ્લીલતા અને સંસ્કારોના નામે આજે એની હોળી કરવામાં આવી હોત!

# મારી ગત વર્ષે પ્રકાશિત બેસ્ટ સેલર બૂક 'પ્રીત  કિયે સુખ હોય'માં સંપાદિત  ૪૩ પૈકીનો એક લેખ.  એ મૂળ તો ૨૦૦૪ના વર્ષારંભે  'અનાવૃત'માં પ્રગટ થયો હતો. આ બ્લોગને આજે ૧૦ જુલાઈએ એક મહિનો પુરો થયો. બ્લોગ શરુ કરવાનું ઘણા દોસ્તો કહેતા, પણ સમય આમે ય ટૂંકો પડતો હોય ત્યાં નવી જંજાળનો પથારો ક્યાં વિસ્તારવો, એમ માનીને હું એ પ્રલોભનમાં આવતો નહિ. પણ અચાનક  મધરાતે બ્લોગ શરુ કરવાના અચાનક આવેલા ધક્કા પાછળ મારો હુસેનસાહેબ પ્રત્યેનો પ્રગાઢ પ્રેમ કારણભૂત છે. એમના નિધન પછી અત્યંત ઈમોશનલ અવસ્થામાં – એમના વિષે મેં અગાઉ લખેલા ત્રણ લેખ ફેસબૂકની નોટમાં ના સમાતા, આખી રાત જાગી પેશનેટલી રાજીસ્ટ્રેશન કરાવી, હું કાચીપાકી ટેકનીકલ સમજ હોવા છતાં બ્લોગર બની ગયો. વિનય ખત્રી પાસે એની તાલીમ લેવી હતી, પણ હુસેનના લેખો માટેની 'ગાલાવેલી' તાલાવેલી એવી કે બધું ભૂલીને બસ ઝુકાવી જ દીધું.

'ડગલું ભર્યું તે ના હટવું'ના જીન્સ મારામાં જન્મજાત છે. કાં કામ શરુ કરવું નહિ, અને કરવું તો પૂરી નિષ્ઠાથી એમાં ખૂંપી જવું! 😛 એટલે ગમે તેમ કરી થોડો સમય બ્લોગીંગ માટે કાઢું છું. તમારા અણધર્યા પ્રતિસાદની હેલીએ મને વધુ પાનો ચડવ્યો છે. એક મહિના માં ૫-૭ પોસ્ટસ પર મારી બાદ કરું તો ય ૨૫૦ જેટલી કોમેન્ટ્સ અને સાડા આઠ હજારથી વધુ હિટ્સ ! આ મારી મૂડી નથી, આપણા પ્યારની થાપણ છે. મારે તો વ્યાજ ચૂકવવાનું છે! 🙂 સભાનપણે આ બ્લોગને કેવળ છાપામાં છપાતા લેખોના 'પ્રમોશન' માટેનું મંચ બનાવવાનો ધખારો ટાળ્યો છે. આપ બધા રીડર-રાજ્જાઓ અને રીડર-રાણીઓના 'ગુજરાત સમાચાર'ની કોલમને મળતા સ્વયંભૂ મૂશળધાર પ્રતિસાદને લીધે એની જરૂર પણ નથી, ને એ મને રૂચતું પણ નથી. સમયાંતરે , સાંપ્રત સંદર્ભને અનુરૂપ જુના લેખો આજની જેમ અવશ્ય મુકતો રહીશ. પણ આ બ્લોગ કેવળ એનું જ સંગ્રહસ્થાન નહિ બને-એ માટે મારા આવી ચુકેલા અને આવનારા પુસ્તકો છે જ. અહીં બીજું ય ઘણું આવતું રહેશે.આ સ્પેસ વધુ પર્સનલ છે, ડાયરી જેવી. જેના બધા નહિ તો કેટલાક પાનાઓ રીડર રાજ્જા-રાણીના દરબારમાં પ્રસ્તુત થતા રહેશે ..ઇન્શાલ્લાહ.

હુસેન જતા જતા વગર મળ્યે મને -અને કદાચ તમને આ બ્લોગની ભેટ આપતા ગયા. એનો પ્રથમ માસિક જન્મદિન ઉજવવા માટે કાલિદાસને યાદ કરવાથી વધુ રૂડું બીજું શું? મેઘદૂત એમની અને મારી પ્રિય કૃતિ. એનો કીલાભાઈ ઘનશ્યામવાળો જુનો અપ્રાપ્ય બની ગયેલો સંપૂર્ણ  અનુવાદ સૌથી વધુ અધિકૃત છે- કારણ કે પછીના તમામ અનુવાદોમાં અનુવાદકો જાતે જ સેન્સર બોર્ડ બની બેઠા છે. અષાઢી બપોરે આ લખું છું ત્યારે બહાર સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. મારો જ લેખ ફરી થી વાંચવાની મને જ મજા આવે એવું વાતાવરણ છે. જોઈએ તમને શું લાગે છે ? 😉

Source: https://jvpedia.org/2011/07/10/%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%A6%E0%AB%82%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AD/

Posted by: colleencolleenduise0267291.blogspot.com

Post a Comment for "Meghdoot In Gujarati Pdf Free Download"